કારકિર્દીમાં સફળતા મેળવવા વ્યક્તિને પોતાના વિચારોની અભિવ્યક્તિ જરૃરી થઈ પડે છે. આ માટે સૌથી પહેલાં વિચારશક્તિ કેળવવી પડે છે. માનવી જ્યારે રૃટીનનો ગુલામ બની જાય છે અર્થાત્ એક ઘરેડમાં પડી જાય છે ત્યારે તે પોતાની વિચારશક્તિ ગુમાવી દે છે. કારણકે દરેક કાર્ય યંત્રવત્ બની જાય છે.તેની વિચાર-શક્તિ કુંઠિત થઈ જાય છે. વ્યક્તિની વિચારવાની શક્તિ જેટલી વધારે હશે તેટલી તે તેની કારકિર્દીમાં વધુ મદદરૃપ થશે.
વિચારશક્તિનો અર્થ તરંગો નથી. કાલ્પનિક દુનિયામાં જીવવું અને વાસ્તવિકતામાં જીવવું તેમાં ઘણો ફર્ક છે. ઘણી વ્યક્તિઓ એટલા માટે સફળતા નથી પામતા કારણકે તેમના વિચારોમાં વાસ્તવિકતા કરતાં તરંગીપણું વધારે હોય છે. પરિણામે પોતે અમુક કાર્ય કરશે તો તુર્તજ સફળતા મળશે એવું માને છે અને પરિણામે આવી વ્યક્તિઓ આંધળાં સાહસો કરે છે જે તેમને વ્યવસાયમાં નિષ્ફળતા આપે છે.
ઘણી વ્યક્તિઓમાં વિચારોની જડતા હોય છે. આ જડતાને કારણે પણ તેઓ કારકીર્દિમાં આગળ વધી શકતા નથી. તેમના જડ વિચારોને કારણે તેઓ કોઈ નવી વસ્તુને સ્વીકારવા તૈયાર હોતા નથી અને બીજાઓને સાંભળવા તૈયાર હોતા નથી. આજના કારણમાં વિચારોની જડતા ધરાવતી ઘણી વ્યક્તિઓ જોવા મળે છે. આવી વ્યક્તિઓ ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરતા હોય છે અને તેઓ સંસ્થા અથવા દેશને નુકશાન પહોંચાડે છે. વિચારોની જડતાને કારણે ભારતમાં વર્ષો સુધી લાયસન્સરાજ ચાલ્યું અને ઉદ્યોગ ધંધાઓના વિકાસ અટકી ગયો જેનું નુકશાન આપણે આજ સુધી ભોગવી રહ્યા છીએ.
ઘણી વ્યક્તિઓ બીજી વ્યક્તિના પ્રભાવમાં વધારે પડતા આવી જાય છે અને પોતાના પ્રમાણે વિચારવાનું બંધ કરી દે છે. આવી વ્યક્તિઓને હંમેશ બીજી વ્યક્તિઓના સહારાની જરૃર પડે છે. પોતાની વિચારશક્તિ નહીં હોવાથી આવી વ્યક્તિઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી અને પરિણામે પોતાની કારકિર્દીમાં પાછા પડે છે. તમારી વિચારશક્તિને વિકસાવવા માટે વાંચનની ઘણી જરૃર રહે છે. વાંચન ફરી તેના ઉપર મનન કરવાથી તમારી વિચારશક્તિને નવી શક્તિ મળે છે – નવી દિશા મળે છે અને મગજને એક જાતની કસરત મળતી હોવાથી બુધ્ધિની તીક્ષ્ણતા પણ વધે છે જે નિર્ણયશક્તિમાં મદદ કરે છે.
વિચારશક્તિને વિકસાવવા માટે જુદી જુદી મુશ્કલીઓની કલ્પના કરી તેને દૂર કરવા માટે જુદાં જુદાં કેવાં પગલાં લઈ શકાય તેનો વિચાર કરી શકાય. દા.ત. ધંધામાં કોઈ જુદી જ પ્રોડક્ટને કારણે હરીફાઈ નડે તો તેવા સમયે શું કરી શકાય? કોઈ કર્મચારી દરરોજ મોડો આવતો હોય તો તે સમયસર આવે તે માટે તેનું અપમાન ના થાય તે રીતે અને તે જાતે સમજતો થાય તે માટે શું કરવું જોઈએ?
જિજ્ઞાસાવૃત્તિનો હકારાત્મક ઉપયોગ કરીને પણ વિચારશક્તિના વિકાસ કરી શકાય છે. દા.ત. દરેક ટેલીફોનમાં, કેલક્યુલેટરમાં પાંચ નંબરના બટન અથવા કી ઉપર ઉપસાવેલું ટપકું અથવા હાઈફન હોય છે તે શા માટે? મોબાઈલમાં એન્ટીના (એરીઅલ) આપવામાં આવતાં હતાં – આધુનિક મોબાઈલમાં તે શા માટે આપવામાં આવતાં નથી?
વિચારોમાં સર્જનાત્મક શક્તિનો ઉપયોગ પણ જરૃરી છે. દુનિયાની દરેક શોધ માનવીના સર્જનાત્મક વિચારોને કારણે જ થઈ છે. ન્યૂટને ઝાડ ઉપરથી પડતા સફરજન ઉપરથી સર્જનાત્મક વિચારો કર્યા અને ગુરુત્વાકર્ષણની લોકોને જાણ કરી. વિચારોની સર્જનાત્મકતાને કારણે ભારતના ચાર વૈજ્ઞાાનિકોએ નોબેલ પ્રાઈઝ જીત્યા છે. સર્જનાત્મક શક્તિ વિકસાવવા માટે તમે વાપરતા કોઈ પણ ઉપકરણમાં કેવા ફેરફાર કરી શકાય જેથી તે ઉપકરણ વધારેસારું અને વધારે ઉપયોગી બને. તમા કાર્યને ઓછામાં ઓછી મહેનતે વધુ અને વધુ પરિણામલક્ષી કેવી રીતે બનાવી શકાય તેનો વિચાર કરો.
વિચારોની વૃધ્ધિ માટે અવલોકન શક્તિનો વિકાસ પણ જરૃરી છે. ગ્રાહક શું ખરીદે છે? કેવી રીતે ખરીદે છે? પસંદગી કેવી રીતે કરે છે. વગેરેનું અવલોકન કરી તેના ઉપર વિચાર કરી ગ્રાહકલક્ષી બની હરીફાઈમાં ઉમદા પરિણામ મેળવી શકાય છે.
http://www.gujaratsamachar.com/beta/content/view/8980/292/
Like this:
Like Loading...
Related
બિલકુલ સાચું છે. મગજને કસવાથી વિચારશક્તિમાં વધારો થાય છે.