વર્ષભર, અનેક માઘ્યમો દ્વારા, બાળકો પર શિક્ષણનો ભાર વધી રહ્યાની ચર્ચા થતી જ રહે છે. માતાપિતાની અપેક્ષાઓના માઠા પરિણામોના સમાચારો આંખે ચડતા રહે છે. કોઈ સમજતું નથી એવું નથી. કોઈ સુધરતું નથી એ જ સાચું છે. કારણો છે તે વાસ્તવમાં માત્ર બહાના છે. વિરોધ કરવામાં હિંમત જોઈએ. અને પોતાની જાતમાં ને પોતાના સંતાનોમાં શ્રદ્ધા જોઈએ. ટોળામાં રહેનાર દોડતા નથી ત્યારે ધકેલાતાં હોય છે.અને એમાં વિચાર કરવાનો શ્રમ ઉઠાવવો પડતો નથી. જીવનની અનેક જરૂરિયાતોની અગ્રતાક્રમ યાદીમાં, જે સૌથી પ્રિય છે, જેને માટે આ જીવન છે એવું માન્યું છે, એ બાળકો જ એમાં સૌથી છેલ્લે આવે છે. હરિફાઈની ઇચ્છા તો નથી, પણ કોઈ ખસતું ય નથી એટલે હરીફાઈ થાય છે. ને પછી, એ હરીફાઈને જ કારણ બનાવી દઈને ઘોડાને દોડાવવા ચાબૂક વિંઝાય છે.
પ્રખર શિક્ષણવિદ્, ચિંતક ને સાહિત્યકાર મનુભાઈ પંચોલીના વ્યાખ્યાનો પર આધારિત લેખમાં ઉલ્લેખ હતો કે હવે વિદ્યાર્થીના રસઋચિને બદલે વિષયનો મહિમા થઈ ગયો છે. અભ્યાસ માટેના વિષયોમાં વિજ્ઞાન, ગણિત, અંગ્રેજીની જાણકારીને ‘વિવૃત્તા’ સાથે ને સફળતા (આર્થિક સલામતી) સાથે જોડીને જોનારાઓની સંખ્યા વધી છે. પરિણામે વિદ્યાર્થી પર ભણતરનો ભાર વઘ્યો છે. ભણતર જ ભારરૂપ બની ચાલ્યું છે. બાળક એ ભણે છે જે એના માબાપને ભણાવવું છે. ખરેખર તો એવુ હોવુ જોઇએ કે બાળક ને જેમા રુચી હોય તે ભણવા મળવુ જોઈએ.
બાળકને પોતાની ક્ષમતાનો પરિચય નથી ને એવો વિવેક એનામાં કેળવાય, અને એ નિર્ણય અભિવ્યક્ત કરવાનો એનો અધિકાર સ્વીકારાય એવું શિક્ષણ શાળામાં એને મળતું નથી, અને એવું વાતાવરણ એના ઘરમાં ય નથી. પરિણામે, એ મૌન રહીને સહન કરે છે. શક્ય પ્રયત્ન પણ કરે છે. નહિ તો, સહુને છેતરીને પોતાનું ધાર્યું કરે છે. પરિણામે નિરાશા, હતાશા, વિશ્વાસઘાત જેવા પ્રતિભાવ જન્મે છે.
આ સામે બાળક બે રીતે જ તેને વ્યક્ત કરી શકે છે, કા તો એ તેને સહન કરે અને કા તો બળવો કરે. અને બળવો કરવા માટે હિંમત જોઈએ. હિંમત નથી એટલે હારી જવાય છે. હિંમત નથી એટલે ભાગી છૂટાય છે. ઘેરથી કે દુનિયામાંથી અને પછી જે પાછળ રહે છે એ વ્યવસ્થાને દોષ દેતા રડે છે. ને પોતાની જવાબદારી વિષે મૌન જ રહે છે. બાળક સવાલ કરી શકતું નથી. સામનો કરી શકતું નથી. કરે તો અવિનયી ને અસંસ્કારી ગણાય છે. પરિણામે બાળક સાથે અનેક સ્તરે અન્યાય થાય છે. એનું શોષણ થાય છે. હિંસા આચરાય છે.
આ પરીક્ષા એકલા બાળકની નથી – સહુની છે. ને જે પરિણામ આવે એની જવાબદારી પણ બધાની છે. બાળક નપાસ નથી થતું, આપણે સહુ નપાસ થઈએ છીએ. એના પાસ થવાનો યશ પણ સહુને મળે છે. પણ, આ પાસ થવાની સાથે બાળકની પ્રસન્નતા જોડાયેલી હોય તો જ એનો અર્થ સરે છે. એક મજૂર એણે ઊંચકેલી બોરીને ગોદામ સુધી લાવી ફેંકે નેં જે અનુભવે એમાં સફળતા નથી રાહત છે. ‘હાશ છૂટ્યા’ નો ભાવ છે.
શ્રીકૃષ્ણની માતાનું નામ છે. યશોદા. યશોદાનો અર્થ છે યશ આપનારી. હવે તમે જ વિચારો કે કઈ માને યશ મળે ? જેનાં છોકરાં સારાં નીવડે એ મા યશની અધિકારી. સારા ના નીવડે તો સમાજ માને જ ગાળો દે. અલબત્ત, એમાં બાપનો ય વાંક એટલો જ ગણાય. પણ, બાળ ઉછેરમાં મા નો મહિમા મોટો.આજના યુગમાં તો સ્ત્રીઓ પુરૂષ સમોવડી સિદ્ધ થઈને, ઉંબરની બહારના કામનો ભાર પણ શોભાવે છે અને સફળતા સિદ્ધ કરે છે. આમ છતાં, એની ઘરમોરચે પણ જવાબદારી તો છે જ. વિદેશમાં આનું પ્રમાણ ઓછું છે. ત્યાં સ્ત્રીના સ્વાતંત્ર્યનો મિજાજ જૂદો છે. ને એટલે જ, ગમ્મતમાં એમ કહેવાય છે કે ત્યાં બાળકને બંને પપ્પા જ છે, મમ્મી એકે નથી. સ્ત્રી, પુરૂષ સમોવડી ભલે સિદ્ધ થાય, બંને તત્ત્વતઃ ભિન્ન છે. પિતા અને માતા બંનેના વ્યક્તિત્ત્વની અસર બાળક ઝીલે છે. એના ઉછેર માટે આ બંને રસરંગની જરૂર છે. એના સમતોલ ઉછેર માટે એની આવશ્યકતાનો સ્વીકાર આઘુનિક સમાજે પણ કર્યો છે.
પહેલાં તો માતા પોતાના બાળક વિષે અન્યના આક્ષેપ સ્વીકારવા માંગતી જ નથી. પણ પછી, એ પરાણે મોં ખોલાવે છે. બાળકની અનિચ્છાએ પણ જો કૈં કરાવવું હોય તો એ મા જ કરાવી શકે ? પ્રત્યેક બાળકની ભીતર અનેક શક્યતાઓ, સંભાવનાઓ, શક્તિ અને પ્રતિભા પડેલા છે. માબાપે એનું મોં તો ખોલાવે છે, પણ પછી એ પ્રતિભાના દર્શન નથી કરતા, ત્યાં સ્વીકાર તો કરે જ ક્યાંથી ? બાળકની ભીતર પડેલી આ પ્રતિભાને ઓળખો ? સમજો ! સ્વીકારો ! ને એને વિકસવાની તક આપો !
માતા યશોદા કડક થયાં છે. બાળકને શિક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. કાનુડાને દોરડે બાંધવો છે. દોરડું મંગાવે છે તો ટૂંકુ પડે છે. વળી બીજું…વળી ત્રીજું…બધાં જ ટૂંકા પડ્યા. સૂચક અર્થ એ જ કે બાળકને તમે નહિ બાંધી શકો. તમારા દોરડા ટૂંકા જ પડશે ! આવું આયોજન કદી કરશો જ નહિ. બાળકને બાંધવા નહિ મથતા. તમે એને કદાચ, બાંધીને બેસાડી દેવામાં સફળ તો થશો પણ એ જ્યાં બંધાઈને બેસશે, ત્યાં હશે નહિ ! એનું મન તો બીજે જ ઉડતું રહેશે. શિસ્ત શરીરને બાંધવા પૂરતી નથી, શિસ્ત મનને ય કેળવે તો જ હેતુ સિદ્ધ થાય. શેરીમાં કૂતરી વિંયાય ત્યારે, મહોલ્લાના છોકરાં એને શીરો ખવરાવે. આ કાર્યમાં એમની માતાઓ સાથ આપે. આમાં કશું કહેવા-શીખવાનું ન હોય. આને કારણે બાળક સહજ પણે જ સમસંવેદનના પાઠ ભણે.
આ લેખ ગુજરાત સમાચાર ૯/૪/૨૦૧૦ મા થી કોપી કરવા મા આવ્યો છે. ( અમુક વિગત મા ફેર્ફાર કરવામા અવ્યો છે.
આપના અભિપ્રાયો