આજકાલ વર્તમાનપત્રોમાં આવતા બાળઆત્મહત્યાના સમાચારોએ હચમચાવી મૂક્યા છે. વ્યવસાય સંદર્ભે કેળવેલાં શિસ્ત અને સંયમ તથા સહનશીલતા છતાં ય, એક સહૃદય માનવીનું હૈયું આવી વેદનાની પળોએ અસ્વસ્થ બને છે. અને એમણે અવલોકેલા બાળકો સાથે થતી સ્થૂળ-સૂક્ષ્મ હિંસાના પ્રસંગોને સંબંધે પોતાનું ચિંતન પણ પ્રગટ કરે છે.એક વાત બહુ ઘ્યાન ખેંચે તેવી છે , આપણે ત્યાં પટાવાળાથી માંડીને પાયલોટ થવા માટે તાલીમ જરૂરી છે, પણ માતા-પિતા થવા માટે કોઈ તાલીમની જરૂર નથી! બાળક એ ઈશ્વરીય ઉર્જા છે અને એને ઝીલવા દમ્પતીએ સજ્જ બનવું રહ્યું, જે તાલીમ દ્વારા શક્ય બને. અને એ તાલીમની શરૂઆત થાય છે કેટલાક મુદ્દે સમજ કેળવવાથી. સૌથી પહેલી જરૂર છે શિસ્તનો સાચો અર્થ જાણવાની. બાળકના વિકાસ માટે શિસ્ત જરૂરી છે. પણ સખ્તાઈ હિંસાનો પર્યાય બની જાય છે એ વિશે માબાપે સભાન થવું ઘટે.આપણે જે ભૂલ બદલ કોઈ પુખ્ત વ્યક્તિને મારતા નથી/કદાચ મારી શકતા નથી આપણી શારીરીક તાકાત તો મુદ્દ્દો નજરે આવે છે, નાની ભુલ માટે નાના બાળકને ધીબી નાખીએ છીએ. આપણે આવું કરી શકીએ છીએ એનું પહેલું કારણ એ જ છે કે બાળક નિર્બળ હોવાથી આ હિંસાનો સામનો કરી શકતું નથી. શાળામાં બાળકો સાથે હિંસક થનારા શિક્ષકોના પગલે કોલેજના અઘ્યાપક ચાલી શકતા નથી. ત્યાં યુવાન વિદ્યાર્થી વિરોધ કરવા, સામનો કરવા સક્ષમ છે. બાળક નાનું છે, નબળું છે એટલે મોટાથી ડરે છે, ને માર ખાય છે, પણ એ મારનારને એ માફ તો નથી જ કરતું. અને, આ હિંસાનો અનુભવ એને કા તો ડરપોક બનાવે છે અને કા તો બળવાખોર. એ જૂઠું બોલતાં શીખે છે અથવા તમારી સમ થાય છે.
અસત્યનું આચર કરવા પ્રેરાય છે. જાતને સાચવવા જૂઠું બોલવાથી થયેલા લાભની પછી એને ટેવ પડી જાય છે. આદત કેળવાય છે. હિંસાના પ્રયોગથી બાળકને ફાયદો જ થાય, એ શિસ્તબઘ્ધ બને અને વિકાસ કરે એવી ધારણાથી આ કૈંક અવળું જ પરિણામ સિઘ્ધ થાય છે. બાળક સત્યને માટે લડવાને બદલે સત્યની સામે લડનાર પણ બની જાય છે. સ્વચ્છંદી બનેલા યુવાનોના અવિનયી વર્તન અને ગુનાખોર વલણના મૂળમાં આવી કોઈક હિંસાનો અનુભવ જોવા મળે તો નવાઈ નહીં. વક્રતા એ છે કે હિંસાની મદદથી બાળકને અમુક વસ્તુ કરતાં રોકી શકનારા એ નથી સમજતા કે આ અનુભવે બાળકને સમજાવ્યું છે કે હિંસાથી ધાર્યું કરાવી શકાય! ત્રાસવાદ પણ આવા જ વિચારબીજનું વૃક્ષ છે.
આવતીકાલની વિશ્વશાંતિ આજે બાળકો સાથેની સૂક્ષ્મ ને સ્થૂળ હિંસા રોકીને સિઘ્ધ કરી શકાય તેમ છે. જરૂર છે માત્ર બાળકોને હિંસા સામે રક્ષણ પુરૂં પાડવાની અને માતા પિતાને મા-બાપ થવાનું પ્રશિક્ષણ પુરૂં પાડવાની. બાળકને ઝૂડી નાખીએ પછી દુઃખી પણ થતા માબાપને એમાંથી પુખ્ત થતાં શીખવવું પડશે. એમની પડખે ઉભા રહેવું પડશે. શિક્ષકોને પણ યોગ્ય તાલીમ આપવી. એ સંબંધે જાગૃતિ આણે તેવી સામગ્રી તૈયાર કરવી.
મહાત્મા ગાંધી તરીકે વિશ્વપ્રસિઘ્ધ પ્રતિભાના સત્ય અને અહિંસાના શસ્ત્ર બાબતે તો આપણે સહુ જાણીએ છીએ. બાપુને રેલ્વેના ડબ્બામાંથી ધક્કો મારીને ઉતારનારને એ સમયે અહિંસાની ઠંડી તાકાતની કલ્પનાય નહીં હોય. બાપુએ અહિંસાનો પહેલો પદાર્થપાઠ ક્યારે શીખેલો? બાપુ જ નોંધે છે તેમ, કડું ચોરવાના પ્રસંગે એમના પિતા ક.બા. ગાંધી એક શબ્દ પણ ન બોલ્યા ને એમની આંખેથી આંસુ વહ્યું. ‘‘એ મોતી બિંદુના પ્રેમબાણે મને વીંઘ્યો. મારે સારૂ આ અહિંસાનો પદાર્થપાઠ હતો.’’
બાળહિંસાના કારણો અને એના દૂરગામી પરિણામોને જાણ્યા પછી એ દુષણને ડામવામાં સહુએ સક્રિય બનવાની જરૂર છે. આપણે સહુ એમાં આપણો ફાળો આપી શકીએ. બાળકોને ભણાવવાના નથી, કેળવવાના છે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી. પછી એ ખીલશે તો આપમેળે જ. બાળક અનુભવથી શીખવા માંગે છે. બાળપણમાં એ ઇન્દ્રિયગત અનુભવથી જાણકારી મેળવે છે. નવ મહિના ગર્ભના અંધકારમાં રહેલાં બાળકને આસ્તે આસ્તે પ્રકાશની દુનિયામાં આવવા દો.
અનુભવથી બાળક જાણશે કે જગતમાં સજીવ છે અને નિર્જીવ છે. ઝાડ પણ પાણી પીવે છે. કૂતરું ને કીડી બંનેને ભૂખ લાગે છે ને ખાવા જોઈએ છે. મને પણ ભૂખ લાગે છે. તરસ લાગે છે. એટલે હું અને આ ઝાડ ને આ કીડી ને આ કબૂતર ને આ કૂતરૂં બધાં સરખાં છે. બાળકમાં આ સમસંવેદન જાગે તો શાંતિ માટેની પ્રાથમિક જરૂરિયાત આપોઆપ જ કેળવાય. આ ક્રમિક વિકાસથી જ મોટપણે જીવનમાં, સમાજમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં ને વિશ્વમાં શાંતિ સિઘ્ધ થઈ શકવાની.
‘સોટી વાગે ચમચમ’ની પઘ્ધતિ ભય સર્જીને સ્વીકૃતિ સિઘ્ધ કરવાની જંગલિયત છે. એવો અનુભવ બાળકના મનમાં વિદ્રોહના બીજ રોપે છે. અને પ્રતિઘાતની ક્ષણ શોધતું રહે છે. કદાચ, એ આજીવન વિરોધ વ્યક્ત ન કરે, ન કરી શકે, પણ એના હાથમાં ચળ તો રહે જ છે. બાલ માનસશાસ્ત્ર કહે છે કે બાળકમાં સ્વરક્ષણની ઇચ્છા હોય છે, આક્રમણ તો એ પછીથી શીખે છે. આ વૃત્તિ કુશિક્ષણનું પરિણામ છે. આદત બાળપણમાં પડી જાય છે, ને ઉપદેશ મોડા પડે છે. આદત એકબાજુ ખેંચે છે ને ઉપદેશ સામી બાજુ. આમાં આદતો જ બહુધા જીતે છે. મહાન સંતોના ઉપદેશની આ જ સ્થિતિ થઈ છે. એનું કારણ એ છે કે એ બધાએ પ્રૌઢ અને પુખ્ત વયના લોકોને જ સંબોઘ્યા. ને એમના વલણો તો બાળપણમાં જ દ્રઢ થઈ ચૂકેલા. પાકે ઘડે કાંઠા ના ચડ્યા! આથી જ, બાળવય એ વિશ્વશાંતિ સિઘ્ધ કરવાની દિશામાં અત્યન્ત મહત્ત્વપૂર્ણ સમય છે.
બાળકને જેટલી વાર નિરાશાનો અનુભવ આપણે કરાવીએ છીએ એટલી વાર એની આત્મશ્રઘ્ધાની ઇંટ એક પછી એક ખસેડીએ છીએ. ને જેની આત્મશ્રઘ્ધા ડગી એ તક મળ્યે આક્રમક થાય જ. ને તક ન મળે ત્યાં લગી હાથ જોડીને કરગરતો અરજદાર! આક્રમક થવાના અંતિમ પર જાય તે પૂર્વે, બાળકને આપણે સહુ સર્જન તરફ વાળી શકીએ. સંહારવૃત્તિનો અવેજ સર્જનવૃત્તિ છે. જો આપણે પોતાના બાળકોના યોગ્ય શિક્ષણ પાછળ વધારે ખર્ચ કરીશું તો લશ્કર પાછળ ઓછું ખર્ચ કરવું પડશે. પ્લુટો પણ આમ માનતા. આત્મસંયમ નિગ્રહથી ઓછો અને અંતઃતૃપ્તિથી વધારે આવે છે. બાળકને અંતઃતૃપ્તિનો અનુભવ થવો ઘટે. એની ઘડતર પ્રક્રિયામાં આ મુદ્દો કેન્દ્રમાં રહેવો જોઈએ. એને અપાતા શિક્ષણની પઘ્ધતિ પણ આ હેતુ સિઘ્ધ કરે તેવી હોવી જોઈએ.
બાળકો સાથે કામ પાડનારા શિક્ષકો એ શાંતિ સૈનિકો છે. આ જ જવાબદારી માબાપની પણ છે. શિક્ષકની પાસે આ બાળક જેટલો સમય છે તેથી વઘુ સમય એ ઘરમાં ગાળે છે. શિક્ષકે કરેલા પ્રયત્નોને બેદરકાર માબાપ નિષ્ફળ બનાવે છે. બાળ ઉછેરના કામમાં શિક્ષકો અને માબાપ બંનેએ જાગૃત રહેવાની જરૂર છે. ઉપનિષદ પણ કહે છે કે એક પિતા દસ શિક્ષકની તોલે છે. એક માતા સો શિક્ષક બરાબર છે! આપણે વિદ્યાને ભૂલીને વિષયનો મહિમા વધારી દીધો છે ને વિદ્યાર્થી આ આપણે મહિમાવંત કરેલા વિષયોના ભાર તળે દટાઈ રહ્યો છે. ન્યાયાલયે વિદ્યાર્થીના દફતરનું વજન નક્કી કરવા દરમિયાનગીરી કરવી પડે છે ને શિક્ષણ સાથે જ નિસ્બત ધરાવતી શાળા, સંચાલકો, શિક્ષકો, અને જેમના સંતાનોના અને જેમના ધનના ભોગે આ ગુન્હાહિત ગાંડપણ વકર્યું છે એ માબાપો એ બાબતે તદ્દન જ બેદરકાર બનીને વર્તે છે!બાળકો જે કૈં કરે છે એ બઘું આપણી કક્ષાએ ઉત્તમ સર્જન નથી હોતું. પણ એની કક્ષાએ એ સરસ હોય છે. સરસ એટલે રસપૂર્ણ. બાળકને ભીંત પર લીટા કરતી વખતે એટલો જ રસ પડે છે ને એવો આનંદ આવે છે કે જેટલો કોઈ સારા ચિત્રકારને ચિત્રસર્જન સમયે આવતો હશે! આપણી નિંદાથી એ છોભીલો પડે છે ને આત્મવિશ્વાસ ગુમાવે છે. ને પછી, એ ઉત્તમ ચિત્રને ફાડવામાં ય સંકોચ નથી અનુભવતો. બાળકને નાના નાના કામ કરવા દો. સર્જનમય રહેવા દો. એ આત્મવિશ્વાસ વધારનારી પ્રવૃત્તિ છે. આત્મતૃપ્તિના અમૃત ધૂંટ એને પ્રસન્ન કરે છે. ને એનું પ્રસન્ન મન શાંતિ અનુભવે છે. શાંતિનો મહિમા કરે છે. આક્રમણનો તો વિચાર સરખો ય નહિ આવે. વિષયના શિક્ષણને બદલે, બાલોચિત પ્રવૃત્તિ વઘુ ઉપયોગી નીવડશે.આપણી વિકાસદોડે શક્તિનું ક્ષેત્ર વધાર્યું છે, શિવનું નથી વધાર્યું. શિવ એટલે કલ્યાણ. વિશ્વ કલ્યાણ સિઘ્ધ થાય એ માટે વિશ્વશાંતિ જરૂરી. ને વિશ્વમાં શાંતિ સ્થાપવી હોય તો વ્યક્તિના ચિત્તમાં શાંતિ હોવી આવશ્યક ને વ્યક્તિનું મન શાંતિ અનુભવે એવું ઇચ્છતા હોઈએ તો એની શરૂઆત એના બાળપણથી જ સંભવે. બાળકો વારસદાર છે. એ વારસાને સાચવે છે. આ વારસામાં શું આપવું છે એ વિષે વાલીએ સભાન થવું જરૂરી છે. આ લેખના સમાપનમાં પૂ. મનુદાદાએ ટાંકેલ એક અવતરણ મૂકું. મહાન શિક્ષણશાસ્ત્રી મેડમ મોન્ટેસરીને કોઈએ કહ્યું કે મેડમ, ઇઝરાયેલમાં કોઈએ ડંખ વગરની મધમાખીની શોધ કરી. મેડમે કહ્યું ઃ ડંખ વગરના માણસો પેદા કરી શકીએ એવું આપણે કરવું છે.
કરવું છે ને? તો આજે જ બાળહિંસાને કહી દઈએ એક બે ને સાડાત્રણ!
ગુજરાત સમાચાર મા થી સાભાર….
Like this:
Like Loading...
આપના અભિપ્રાયો